અલ્પેશ બારોટ નામનો એક યુવક પોતાની મુંબઈની આકર્ષક નોકરી છોડીને આદિવાસી ગામમાં બેસીને આદિવાસીઓના ઉત્થાનનું સુંદર કામ કરી રહ્યો છે. તેમનાં જીવનસાથી રિન્કુ બારોટનું પિયર વડોદરા. લગ્ન પહેલાં રિન્કુબહેને ગામ જોયું જ નહોતું. પતિએ ગામમાં કામ શરૂ કર્યું એટલે તેઓ પણ ગામમાં રહેવા લાગ્યાં. હવે એવી સ્થિતિ છે કે, કોઈ કામથી અમદાવાદ કે વડોદરા જવાનું થાય તો બે દિવસ પણ ફાવતું નથી. તરત સાદ કરીને ગામ બોલાવે છે...
એમનું નામ અલ્પેશભાઈ, માતાનું નામ મધુબહેન અને પિતાનું નામ રમેશભાઈ. રમેશભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સાદરા એકમના પહેલી બૅચનાં વિદ્યાર્થી. રમેશભાઈએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગુંદી ગામમાં આવેલા સર્વોદય આશ્રમમાં વર્ષો સુધી ગૃહપતિ તરીકે કાર્ય કર્યું. તેમના પુત્ર અલ્પેશનું પ્રાથમિક શિક્ષણ, એકથી સાત ધોરણ ગુંદીમાં જ થયું. એ પછી અલ્પેશભાઈ વાળુકડ (તા. પાલિતાણા, જિ. ભાવનગર)ના લોકવિદ્યાલયમાં ભણવા ગયા.
વિઝન: શિક્ષણ દ્વારા આદિવાસી સમુદાયને સર્વાંગી વિકાસ તરફ સાથ આપવો.
મિશન: પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીની એવી શૈક્ષણિક સંકુલ રચના કરવી, જે આદિવાસી યુવાનોની રોજગારી ક્ષમતા વધારીને આર્થિક રીતે ટકાઉ વિકાસમાં સહાય કરે.