LOK SAHYOG TRUST - POSITIVE STORY

મુંબઈની આકર્ષક નોકરી છોડી આદિવાસી ગામમાં કામ કરતા અલ્પેશ બારોટ, વડોદરાની કન્યા, નામે રિન્કુ પણ આદિવાસી ગામમાં રહે છે હવે તેને શહેર ગમતું નથી.

આલેખનઃ રમેશ તન્ના

આજકાલ બધાને શહેરમાં રહેવું છે. જીવન શહેરમાં જ છે એવું માનવામાં આવે છે. ગામો ખાલી થઈ રહ્યાં છે. ગામો વૃધ્ધાશ્રમો જેવાં થઈ રહ્યાં છે. યુવાનો તો શહેરમાં જ રહે છે. ગામોમાં વૃધ્ધજનો જોવા મળે. કોઈ યુવકની સગાઈ કરવી હોય તો તે યુવક જો શહેરમાં રહેતો હોય તો જ તેની સગાઈ થાય, નહીંતર રામ રામ. ઘણી છોકરીઓને તો નાના નગરમાં પણ પરણવું હોતું નથી. આવા શહેર મેનિયાના વાતાવરણમાં અલ્પેશ બારોટ નામનો એક યુવક પોતાની મુંબઈની આકર્ષક નોકરી છોડીને આદિવાસી ગામમાં બેસીને આદિવાસીઓના ઉત્થાનનું સુંદર કામ કરી રહ્યો છે. તેમનાં જીવનસાથી રિન્કુ બારોટનું પિયર વડોદરા. લગ્ન પહેલાં રિન્કુબહેને ગામ જોયું જ નહોતું. પતિએ ગામમાં કામ શરૂ કર્યું એટલે તેઓ પણ ગામમાં રહેવા લાગ્યાં. હવે એવી સ્થિતિ છે કે, કોઈ કામથી અમદાવાદ કે વડોદરા જવાનું થાય તો બે દિવસ પણ ફાવતું નથી. તરત સાદ કરીને ગામ બોલાવે છે...

એમનું નામ અલ્પેશભાઈ, માતાનું નામ મધુબહેન અને પિતાનું નામ રમેશભાઈ. રમેશભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સાદરા એકમના પહેલી બૅચનાં વિદ્યાર્થી. રમેશભાઈએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગુંદી ગામમાં આવેલા સર્વોદય આશ્રમમાં વર્ષો સુધી ગૃહપતિ તરીકે કાર્ય કર્યું. તેમના પુત્ર અલ્પેશનું પ્રાથમિક શિક્ષણ, એકથી સાત ધોરણ ગુંદીમાં જ થયું. એ પછી અલ્પેશભાઈ વાળુકડ (તા. પાલિતાણા, જિ. ભાવનગર)ના લોકવિદ્યાલયમાં ભણવા ગયા. અહીં તેમનું બરાબર ઘડતર થયું. નાનુભાઈ શિરોયાના માર્ગદર્શનમાં અહીં નઈ તાલીમનું આદર્શ કામ થતું હતું. સાચા અર્થમાં અહીં શિક્ષણ અપાતું હતું. ગ્રામભારતી અમરાપુર(જી-ગાંધીનગર)માં ધો. 11-12નો અભ્યાસ કરી અમદાવાદની કોલેજમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી MSWની પદવી મેળવી.

અલ્પેશભાઈએ ભણી લીધા પછી એક વર્ષ મુંબઈમાં નોકરી કરી. સરસ નોકરી હતી. પગાર પણ સારો હતો. જોકે, શહેરી વાતાવરણમાં મન માનતું નહોતું. એ પછી તેમણે વડોદરા પાસેના સંખેડામાં UNICEF અંતર્ગત પ્રતિકાર ટ્રસ્ટમાં છ વર્ષ સુધી મહિલા અને બાળ સુરક્ષા બાબતે કામ કર્યું. મનમાં ગામના લોકો માટે કશુંક કરવાનો વિચાર સતત દૃઢ થતો હતો. પોતાના મિત્રો સાથે તેમણે આદિવાસી ગામોમાં ફરીને સર્વેક્ષણ કર્યું. તેમણે ગામના લોકોને જઈને પૂછ્યું કે, અમારે તમારા માટે કંઈક કરવું છે તો શું કરીએ? જવાબ મળ્યો છાત્રાલય. તેમણે 11મી જૂન, 2016ના રોજ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કુકરદા ગામમાં સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું. એ વખતે તેમને પરિવારથી દૂર રહેવું પડ્યું. 2017ના વર્ષમાં લગભગ 50 જેટલા બાળકોને લોક સહયોગ સંચાલિત સહયોગ છાત્રાલયમાં ભણતા કર્યા. બે વર્ષ કુકરદા ગામના સ્થાનિક વડીલના ઘરમાં છાત્રાલય ચલાવ્યું. વધારે બાળકોને સમાવી શકાય તથા તેમને રમવા માટે મોકળું મેદાન મળે તે માટે નર્મદા જિલ્લાના નવનીર્મિત તાલુકા ગરૂડેશ્વરના માંકડઆંબાને પોતાના રચનાત્મક કાર્ય કરવા માટે પસંદ કર્યું. શરૂઆતમાં એક વડીલે તેમના ઘરે જ રહેવાની વ્યવસ્થા આપી. 2018થી અહીં સહયોગ છાત્રાલય શરૂ થયું.

તમે અલ્પેશભાઈ સાથે વાત કરો ત્યારે તમને માલૂમ પડે કે, તેમના હૃદયમાં આદિવાસી લોકો માટે ભરપૂર પ્રેમ સંવેદના અને કરુણા છે, તો મગજમાં કઈ રીતે કામ કરવું તેની પૂરી સ્પષ્ટતા છે. તેઓ કશુંક નક્કર કરવા માગે છે. અલ્પેશભાઈ કહે છે કે, મારા મનમાં સ્પષ્ટ અભિગમ હતો કે, જે કરીશ તે નાનું કરીશ, નક્કર કરીશ અને લાંબાગાળે નમૂનેદાર બને એવું જ કરીશ. અને ખરેખર તેઓ એમ કરવામાં સફળ થઈ રહ્યા છે. બાળકોના શિક્ષણ માટે તેમણે છાત્રાલય કર્યું છે. સ્થાનિક લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજીને તેનો ઉકેલ લાવી રહ્યા છે. સ્થાનિક પર્યાવરણના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તેઓ વૃક્ષારોપણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આદિવાસીઓના પ્રશ્નોનો પાર નથી. ડુંગળીના પડ જેવું છે. એક પડ ખોલીએ એટલે બીજું અને બીજું ખોલીએ એટલે ત્રીજું એમ નવાં નવાં પડ ખૂલતા જ જાય છે. આદિવાસીમાં વૃધ્ધાશ્રમનો કન્સેપ્ટ હોતો નથી. નિરાધાર વૃધ્ધોનો પણ મોટો પ્રશ્ન છે. નર્મદા જિલ્લામાં બાળલગ્નો પણ મોટી સંખ્યામાં થાય છે, એ પ્રશ્ન પણ ઉકેલવાનો છે.

અલ્પેશભાઈએ અભિનવ રીતે કામ કર્યું છે. તેમણે નિર્ણય પ્રક્રિયામાં બાળકોને સામેલ કર્યા છે. છાત્રાલયની ડિઝાઈન બનાવવાની હોય તો ય બાળકોને પૂછવાનું. દરવાજો કેવો કરીશું? પૂછો બાળકોને. જ્યારે બાળકોને નિર્ણયની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે ત્યારે તેમનો વિશ્વાસ ખૂબ વધી જાય છે. અલ્પેશભાઈ કહે છે કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જેના પ્રશ્નો હોય છે, ઉકેલ તેમની પાસે જ હોય છે. જ્યાં પ્રશ્ન હોય છે, ઉકેલ પણ ત્યાં જ હોય છે. આ વાત સમજવા જેવી છે. અલ્પેશભાઈ આ વાત બરાબર સમજે છે. ભારતના પ્રશ્નોના જવાબ અમેરિકામાં ના હોય. કોઈ ગામના પ્રશ્નોના ઉત્તર ગાંધીનગર કે દિલ્હીમાં ના હોય. લોકશક્તિ અને લોકસહયોગના આધારે અલ્પેશભાઈ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. ગાંધીવિચાર તેમને ગમે છે. ગાંધીવિચારના માર્ગે તેઓ આગળ વધી રહ્યા છે.

તેમના જીવનસાથીનું નામ છે રિન્કુબહેન. તેઓ નર્સ છે. નોકરી કરે છે. વડોદરામાં રહેલાં એટલે તેમણે ગામ જોયું જ નહોતું. તેઓ ગામમાં ગયાં અને ગામના પ્રેમમાં પડ્યા. અલ્પેશભાઈની પ્રવૃત્તિઓ તેમને ખૂબ ગમે છે. આ બધી પ્રવૃત્તિઓમાં તેઓ અલ્પેશભાઈની સાથે, ખડેપગે અને ભરેલા હૃદયે રહે છે. તેમને બે સંતાનો છે. 2011માં જન્મેલો દીકરો એટલે માર્ગ અને 2022માં બીજો દીકરો જન્મ્યો તેનું નામ હિતાર્થ. આદિવાસીઓના હિતાર્થે ગામનો માર્ગ પકડનાર આ દંપતિના બંને દીકરાઓ આદિવાસી છોકરાઓ સાથે હળીમળીને મોટા થઈ રહ્યા છે. આદિવાસી ગામમાં બેસીને કામ કરવું સહેલું નથી. અનેક પડકારોનો સામનો કરવો પડે છે. સાધનો ઓછાં અને સંસાધનો પણ પાંખાં. અલ્પેશભાઈનું ટ્રસ્ટ એટલું બધું સધ્ધર નથી. જોકે, તેમની પાસે આત્મવિશ્વાસની મૂડી છે. તેમની પાસે શ્રધ્ધાની થાપણ છે. તેઓ પોતે કઈ દિશામાં કેવી રીતે કામ કરશે એ બાબતમાં સ્પષ્ટ છે.

તેમનાં બહેન દર્શનાબહેન બારોટ કહે છે કે, એ નાનો હતો ત્યારથી જ કશુંક જુદું કરવા માગતો હતો. એટલે તો મુંબઈ છોડ્યું અને આદિવાસીઓની વચ્ચે જઈને બેઠો છે. અમને તેના કામ માટે ગૌરવ છે. રિન્કુબહેન પણ રાજી થઈને કહે છે કે, અમે જે કામ કરી રહ્યાં છીએ તેનો અમને ઊંડો સંતોષ છે. અલ્પેશના પિતાજી રમેશભાઈ ગાંધીજન છે. ખૂબ સુંદર ગાય પણ છે. છાત્રાલયના ગૃહપતિ તરીકે તેમણે ઉત્તમ કામ કરેલું છે. પારિવારિક સંસ્કાર અને જુદી જુદી સંસ્થાઓના વાતાવરણમાંથી જે અજવાળું મળ્યું તેને લઈને અલ્પેશભાઈ આજે આદિવાસીઓના ઉત્થાન માટે સુંદર કામ કરી રહ્યા છે.

તેમના કામની નોંધ લેવાઈ છે. જાગૃત જન સહિત ઘણા એવોર્ડ તેમને મળ્યા છે. રચનાત્મક કાર્ય કરતી સંસ્થાઓ અને અગ્રણીઓ એક ખૂણામાં બેસીને કામ કરતા અલ્પેશભાઈ પર ઝીણી નજરથી ધ્યાન રાખી રહ્યા છે. તેઓ કહે છે કે, ખરેખર સાચી દિશામાં કામ થઈ રહ્યું છે. અલ્પેશભાઈની શક્તિઓ, તેમના હૃદયની સંવેદના અને અનુભવ જોતા ચોક્કસ લાગે છે કે, ગુજરાતને એક મોટો કર્મશીલ મળશે.

આદિવાસીઓ સાથે સર્વાંગી વિકાસ તરફની સફર

લોક સહયોગની શરૂઆતનો સ્રોત 2010 થી 2015 દરમિયાનનો સમયગાળો છે, જ્યારે યુનિસેફ પ્રોજેક્ટ "બાળ સુરક્ષા અને બાળ અધિકાર" માં કાર્યરત મિત્રો સાવલી, સંખેડા, બોડેલી અને નસવાડી જેવા તે સમયના વડોદરા જિલ્લાના ગામોમાં ગયા હતા. લોક સહયોગના સ્થાપક શ્રી અલ્પેશ બારોટ પણ તેમના પૈકીના એક હતા. નસવાડી વિસ્તારમાં 87% આદિવાસી વસતા હતા, જેમાં મુખ્યત્વે ભિલ, ડુંગરા ભિલ, રાઠવા અને તડવીનો સમાવેશ થતો. આ જાતિઓ પહાડી આંતરિક વિસ્તારોમાં વસતી હતી, જ્યાં જીવનની જરૂરી સુવિધાઓનો અભાવ હતો – શિક્ષણ, રોજગાર, પીવાના પાણી અને તબીબી સુવિધાઓ તો દૂરની વાત હતી. ‘ઝૂમ-ઝૂમ’ ખેતી જ ખેતીનો એકમાત્ર આધાર હતો. બાળ મજૂરી, બાળ લગ્ન અને વ્યસનો જેવા સામાજિક પ્રશ્નો આદિવાસીઓને શાંતિ અને સમૃદ્ધિથી વંચિત રાખતા હતા. તેમછતાં મુક્તિનો એક જ માર્ગ હતો – અને તે હતો શિક્ષણ.

જીવનની કઠોર હકીકતોથી બચવા આ વિસ્તારના આદિવાસીઓ રોજગારની શોધમાં પરિવાર સાથે સૌરાષ્ટ્ર સ્થળાંતર કરતા. ટૂંક સમયમાં જ સમજાયું કે જો સ્થળાંતર કરનાર પરિવારોના બાળકોને શિક્ષણની સુવિધા મળે તો તેમની જીંદગી બદલાઈ શકે. આ નાની સમજ જ ભવિષ્યના લોક સહયોગનું બીજ બની.

11 જૂન 2016નો દિવસ લોક સહયોગ માટે ઐતિહાસિક રહ્યો, જ્યારે કેટલાક સામાજિક ચિંતનશીલ મિત્રોએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં આવેલ કુકરડા ગામમાં સહયોગ છાત્રાલયની સ્થાપના કરી. ધીમે ધીમે સ્થાનિક આદિવાસીઓએ આ સ્થાપક મિત્રો પર વિશ્વાસ મૂક્યો અને સંસ્થાની માલિકીનો ભાવ ઊભો થયો.

સમય જતાં નજીકના શહેરો અને ગામોના દાતાઓ તરફથી અનાજ, વાસણ, સ્ટેશનરી, છાપરા, ટેબલ-ખુરશીઓ, પથારી અને અન્ય જરૂરી સામાનનો પ્રવાહ શરૂ થયો.

2–3 વર્ષમાં નાટકો, બાળ અધિકાર વિષયક ફિલ્મો, માતા-પિતાની સભાઓ, પ્રાર્થના મીટિંગો, ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ અને જૂથ ચર્ચાઓ દ્વારા શિક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ. આદિવાસી માલિકી અને ભાગીદારી આ નાનકડા શૈક્ષણિક પ્રયત્નના આધારસ્તંભ બન્યા.

‘સહયોગ’ નામનું આ છાત્રાલય લોક સહયોગ ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું, જેનો અર્થ જ છે – લોકોની ભાગીદારી.

કુકરદાનું લોક સહયોગ છાત્રાલય માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતું હતું. હાઈસ્કૂલ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને સુરતની મૈત્રી સંસ્થા ખાતે મોકલવામાં આવતાં.

જાગૃતિ કાર્યક્રમો કુકરડા અને આસપાસ ફેલાતા ગયા. પ્રવાસો અને પિકનિક જેવા કાર્યક્રમો આ એકાંતમાં રહેલા આદિવાસી બાળકોની દુનિયા વિસ્તૃત કરવા ઉપયોગી સાબિત થયા. મેળાઓ અને બાળ મેળાઓથી લોક સહયોગના બાળકોમાં આયોજનક્ષમતા અને આત્મવિશ્વાસ વધ્યો.

2016 થી 2018 દરમિયાન કુકરદા કેન્દ્રની પ્રવૃત્તિઓએ નસવાડી વિસ્તારના લોકોના વિચારવિસ્તારને વિસ્તૃત કર્યા. ગૂજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય અને પત્રકારિતાના વિદ્યાર્થીઓને કુકરદા કેન્દ્રની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમના ગ્રામ્ય કેમ્પો અને રેલીઓ દ્વારા સ્વચ્છતા, બાળલગ્ન અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવ અંગે જાગૃતિ ફેલાઈ. શહેરના વિદ્યાર્થીઓને પણ ગામડાની હકીકતોનો અનુભવ થયો. આ પરસ્પર અનુભવ શહેર અને ગામ – બંને માટે અમૂલ્ય સાબિત થયો.

લોક સહયોગનો હેતુ માત્ર પંડિત તૈયાર કરવાનો ન હતો, પરંતુ કુશળ અને સ્વાવલંબી માણસ ઘડવાનો હતો. સવારે યોગા, કસરત, સ્નાન, નખ કાપવા, રસોઈ, લોટ ગુંથવા અને પોતાનું સમયપત્રક બનાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સ્વ-વ્યવસ્થાપન અને સ્વ-શાસનની ભાવના વિકસાવવામાં આવી.

લોક સહયોગે આદિવાસી સમાજના પ્રશ્નોમાં સક્રિય રસ લીધો અને ઉકેલ માટે તેમને સાથ આપ્યો. ઉદાહરણ તરીકે, મૃતક સાથે કિંમતી સામાન દહન કરવાની પરંપરા જાગૃતિ સત્રો દ્વારા ધીમે ધીમે બદલાઈ. સંસ્થા સમુદાયમાંથી જ ભંડોળ ભેગું કરીને દુર્ભાગ્યગ્રસ્ત પરિવારોને મદદ કરતી રહી.

જેમ જેમ છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી, વધુ જગ્યા જરૂરી બની. કુકરદામાં જમીન મળવાની સંભાવના ઓછી હોવાથી આસપાસના ગામોમાં પ્રયાસ શરૂ થયો. અંતે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિસ્તારમાં આવેલ માંકડઆંબા ગામે એપ્રિલ 2018માં લોક સહયોગનું સ્વાગત કર્યું. સ્થાનિકોએ ભાડે જમીન ઉપલબ્ધ કરાવી અને બાંબુ-ટીનના શેડ બનાવીને રસોડું અને હોલ ઊભા કર્યા.

11 જૂન 2018ના રોજ 75 બાળકોને માંકડઆંબાની સરકારી શાળામાં દાખલ કરવામાં આવ્યા.

2018 થી 2025 દરમિયાન લોક સહયોગ માત્ર છાત્રાલયથી આગળ વધીને તડવી, રઠવા અને ડુંગરા ભિલ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત થયું. હવે અહીં 4થી 12 ધોરણના 125 બાળકો માટે આવાસની સુવિધા છે. રસોડા અને ભોજનની જરૂરિયાત પૂરી કરવા ફળબાગ, શાકભાજી બગીચો અને ગાયશાળા પણ છે.

વૃક્ષારોપણ, નર્સરી છોડ વિતરણ (60 ગામોમાં), વડીલોને રાશન કિટ, 10 પછી ઉચ્ચ અભ્યાસમાં સહાય, અને છોડેલા બાળકો, બાળ મજૂરી, બાળ લગ્ન, વ્યસન વગેરે મુદ્દાઓ પર જાગૃતિ પ્રવૃત્તિઓ ચાલુ છે.

લોક સહયોગના બાળકોને સંસ્થાની મૂલ્યો સાથે જોડીને શિક્ષણ આપવા માટે પોતાની શાળાની જરૂરિયાત અનુભવી. આ શાળામાં શૈક્ષણિક જ્ઞાન સાથે નવીનતા, કુશળતા, આદિવાસી મૂલ્યો અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા રહેશે.

માત્ર 12 ધોરણ સુધી શિક્ષણ પૂરતું નહીં હોય, તેથી કોલેજ અને ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા લોક સહયોગ વિદ્યાસંકૂલના નામે કરવામાં આવશે.

લોક સહયોગ આપને સૌજન્યપૂર્વક આમંત્રિત કરે છે કે આ સપના સાથે જોડાઓ.

વિઝન: શિક્ષણ દ્વારા આદિવાસી સમુદાયને સર્વાંગી વિકાસ તરફ સાથ આપવો.

મિશન: પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીની એવી શૈક્ષણિક સંકુલ રચના કરવી, જે આદિવાસી યુવાનોની રોજગારી ક્ષમતા વધારીને આર્થિક રીતે ટકાઉ વિકાસમાં સહાય કરે.

    શાળા શરૂ કરવી (જૂન 2026થી...)

    લાઈબ્રેરી શરુ કરવી

    કોમ્પ્યુટર સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવું

    2030 સુધીમાં સહયોગ છાત્રાલયને ગુજરાતનું નમૂનેદાર છાત્રાલય બનાવવું

    પીવા અને રસોઈ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો (3 લાખ લીટર)

    સ્થાનિક કક્ષાએ રોજગારી ઊભી કરવી.

    એક દાયકામાં લોકભાગીદારી વડે એક લાખથી વધુ વૃક્ષો વાવી તેની જાળવણી કરવી.